GJN 9th Gujarati

Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન

GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Nibandh Lekhan

નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

  1. કોઈ એક વિષયને વિચારીને પસંદ કરો.
  2. રૂપરેખા નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાને ક્રમમાં ગોઠવો.
    (અ) આરંભઃ નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ.
    (બ) મધ્યભાગ વિષયલક્ષી ચર્ચા કરવી. મહત્ત્વના તમામ મુદ્દાને સંક્ષેપમાં આવરી લેવા.
    (ક) અંતઃ એક-બે અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય જણાવો.
  3. નિબંધના ચાર-પાંચ પરિચ્છેદ હોવા જોઈએ.
  4. નિબંધની ભાષા વ્યાકરણની દષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. સરળ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. યોગ્ય વિરામચિહ્નો મુકાવાં જોઈએ.
  5. નિબંધમાં વિચાર કે ભાવની દષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું.

પ્રશ્ન. નીચેના દરેક વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો :

1. ગુજરાતી ગરવી ગુજરાત આપણું ગુજરાત આ

મુદ્દો :

  1. પ્રસ્તાવના
  2. સ્થાન, પર્વતો, નદીઓ, બંદરો, યાત્રાધામો
  3. ગુજરાતની સંસ્કૃતિ
  4. ગુજરાતના વેપારીઓ, ભાષા
  5. આઝાદી પછીની પ્રગતિ
  6. ઉપસંહાર

“કોની કોની છે ગુજરાત?”
– નર્મદ

ઉપરની પંક્તિમાં ગુજરાતમાં વસતા પ્રત્યેક માનવીના હૃદયની ગુજરાત પ્રત્યેની લાગણી જણાય છે. ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ ગર્વથી કહી શકે કે ગુજરાત મારી છે. ગુજરાતની ભૂમિમાં એવું આકર્ષણ રહેલું છે.

ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું દરિયાકિનારાનું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યો આવેલાં છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત એવા વિભાગ પડે છે, ગુજરાતમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતો છે. આ પર્વતો પર અનેક મંદિરો આવેલાં છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પાલીતાણા, ડાકોર, અંબાજી, વીરપુર, ગઢડા જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો છે. ગુજરાતને વિશાળ સમૃદ્ધ દરિયાકિનારો મળ્યો છે. અહીંના કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવાં બંદરોથી પરદેશ સાથે વેપાર થાય છે. ગુજરાતમાં ઉભરાટ, તીથલ, ડુમ્મસ, સાપુતારા, ચોરવાડ જેવાં અનેક પ્રવાસ-સ્થળો છે; જે પ્રવાસીઓને આકર્ષે છે.

ગુજરાતની ભૂમિ તેની પ્રાચીન સંસ્કૃતિ માટે જાણીતી છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતોનો ફાળો છે. અહીં નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામ જેવા સંતો થઈ ગયા. અહીં નર્મદ, કલાપી, મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર જોશી જેવા કવિઓ થઈ ગયા. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો આપ્યા, જેમણે દેશને આઝાદી અપાવી. ગુજરાત ઠક્કરબાપા, રવિશંકર મહારાજની સેવાને કેમ ભૂલી શકે?

ગુજરાતના વેપારીઓ પ્રાચીનકાળથી તેમની સાહસિકતા અને વેપારવૃત્તિ માટે જાણીતા છે. ગુજરાતમાં કચ્છી, કાઠિયાવાડી, ગુજરાતી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત અંગ્રેજી અને હિંદી ભાષા બોલનારા લોકો પણ અહીં વસે છે.

આઝાદી પછી ગુજરાતે અનેક ક્ષેત્રે હરણફાળ ભરી છે. ગુજરાત આખા દેશને દિશા ચીંધનાર રાજ્ય તરીકે જાણીતું છે. ગુજરાતની પ્રજા વીર. ધીર, જ્ઞાની અને ધનિક છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન વગેરે કોમના લોકો વસતા હોવા છતાં સૌ સંપીને રહે છે. તેઓ એકબીજાના તહેવારોમાં ઉત્સાહથી ભાગ લે છે.

હું ગુજરાતની પવિત્ર અને સમૃદ્ધ ભૂમિમાં રહું છું તેનો મને ગર્વ છે.

2. મા તે મા / માતૃપ્રેમ

મુદ્દાઃ

  1. પ્રસ્તાવના
  2. માતાનું લાલનપાલન
  3. માતાના સંસ્કાર
  4. માનો નિઃસ્વાર્થ પ્રેમ
  5. પ્રાણીઓમાં પણ માતૃપ્રેમ
  6. ઉપસંહાર

“એક સંસ્કારી મા સો શિક્ષકોની ગરજ સારે છે.”

કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. બાળઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે. પ્રસૂતિની પીડા મા જ સહન કરે છે. મા બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો મા પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને સૂકામાં સુવડાવે છે. બાળકને સવારે ઊઠાડવું, તેને નવડાવીને તૈયાર કરવું, તેને સમયસર દૂધ, નાસ્તો, ભોજન આપવું. બાળકને તૈયાર કરી નિશાળે મોકલવું. બાળક બીમાર પડી જાય ત્યારે રાતદિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી, આ બધાં કામોમાં મા થાકી જાય ખરી, પરંતુ ક્યારેય કંટાળતી નથી.

બાળકમાં સંસ્કારસિંચન કરવામાં માનો અમૂલ્ય ફાળો હોય છે. પિતા ધંધાર્થે બહાર જાય છે. બાળક સાથે મા જ વધારે સમય રહે છે. કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે. મા બાળકને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે, તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, તિલક વગેરે મહાપુરુષોના જીવનઘડતરમાં માનો ફાળો વિશેષ રહેલો હતો. આથી જ કહેવાય છે કે, એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. મા વિનાનો સંસાર ગોળ વિનાના કંસાર જેવો છે.

માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તે પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા રાખતી નથી, તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે, ‘મારું બાળક સુખી થાય.” પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવાં દુઃખો સહન કરવા પણ તૈયાર હોય છે. પોતાનું સંતાન કદરૂપું હોય, ખોડખાંપણવાળું હોય, મંદબુદ્ધિનું હોય કે અતિશય તોફાની હોય, પણ તેથી માતાના બાળક પરના પ્રેમમાં ઓટ આવતી નથી. કેટલીક વાર તો આવા બાળક માટે માતાપિતાને વધારે લાગણી હોય છે. એટલે કવિ બોટાદકરે લખ્યું છે –

‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.”

માની મમતા માત્ર માનવસૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી. પશુપંખીઓને પણ પોતાનાં બચ્ચાં માટે અનહદ પ્રેમ હોય છે. ચકલી ચણ લાવી બચ્ચાંને ખવડાવે છે. ગાય વાછરડાને જીભ વડે ચાટી પોતાની મમતા બતાવે છે. વાંદરી બચ્ચાને છાતીએ વળગાડીને ફરે છે.

એટલે જ કહેવાય છે કે, ”જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતાં છે : જનની મજૂનિશ સ્વાપિ નાયરી ” ”મા તે મા, બીજા બધા વગડાના વા.”

૩. દુકાળ વખતે મારી ફરજ / દુષ્કાળ

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. દુકાળની અસરો
  3. રાહતકામાં
  4. મારી ફરજ
  5. ઉપસંહાર

કુદરતની લીલા અકળ છે. તે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. સમયસરના વરસાદથી ખેતરમાં અઢળક પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂતોના દિલમાં આનંદ આનંદ થઈ જાય છે. ક્યારેક અતિવૃષ્ટિથી ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઈ જાય છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. આવા સમયે ખેડૂતો નાસીપાસ થાય છે. ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. વરસાદ ઘણો ઓછો પડે છે કે વરસતો નથી. તેને દુષ્કાળ કહે છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે. અનાવૃષ્ટિમાં અનાજ પાકતું નથી. ઘાસચારો થતો નથી. જળાશયો સુકાઈ જાય છે. આથી ખેડૂતો અને પશુપાલકો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. અનાજ અને ઘાસચારાની ભારે અછત વરતાય છે. ઘાસચારા અને પાણી વિના અસંખ્ય ઢોર મરણ પામે છે કે હાલતાચાલતાં હાડપિંજર બની જાય છે. અનેક શહેરો અને ગામડાંઓમાં પીવાના પાણીની તકલીફ ઊભી થાય છે. ધરતી વેરાન રણ જેવી બની જાય છે. લીલોતરીના અભાવે ગરમી પણ વધે છે. છપ્પનિયા કાળમાં હજારો માણસો અને પશુઓ નાશ પામ્યાં હતાં.

દુષ્કાળ વખતે માનવતાનો સાદ પડે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ રાહતકામો અને ઢોરવાડાઓ શરૂ કરે છે. લોકો રાહતકામોમાં કામ કરીને કામ અને દામ મેળવે છે. કેટલીક વાર મજૂરી તરીકે તેઓને અનાજ આપવામાં આવે છે. ઘાસચારાની આયાત કરીને પશુઓ માટે ઢોરવાડાઓમાં પહોંચાડવામાં આવે છે, ટેન્કરો કે ટ્રેનો દ્વારા ગામડે ગામડે પાણી પહોંચાડવામાં આવે છે.

દુષ્કાળ વખતે આપણી પણ માનવતા જાગી ઊઠવી જોઈએ.’ આપણે રાહતફાળો એકઠો કરવો જોઈએ. પશુઓની સેવા માટે પહોંચી જવું જોઈએ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. લોકોને અનાજની અને આર્થિક મદદ કરવી જોઈએ. જો આપણી આર્થિક સ્થિતિ સધ્ધર હોય તો એક કુટુંબ કે એકાદ ગામ દત્તક લેવું જોઈએ. અસરગ્રસ્ત લોકોને નિયમિત સુખડી જેવો નાસ્તો કે અન્ય તૈયાર ખાવાપીવાની વસ્તુઓ અને દવાઓ પહોંચાડવી જોઈએ. ‘જનસેવા એ જ પ્રભુસેવા છે’ એમ સમજી વધુમાં વધુ સહાયરૂપ થવું જોઈએ.

દુષ્કાળ આપણને માનવીની લાચારી અને માનવીની માનવતાનાં દર્શન કરાવે છે.

4. પરિશ્રમ એ જ પારસમણિ/શ્રમનું ગૌરવ

મુદ્દા

  • પ્રસ્તાવના
  • શ્રમના પ્રકાર
  • શ્રમ પ્રત્યે લોકોનું વલણ
  • શ્રમના લાભ
  • નિષ્ફળતા વખતે
  • શિક્ષિત સમાજ
  • ઉપસંહાર

“કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” માનવીને જીવનમાં ધારી સફળતા અપાવનાર જો કોઈ સાધન હોય તો તે શ્રમ છે. શ્રમ તો સફળતાની ચાવી છે.

શ્રમના બે પ્રકાર છે : શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. મજૂર, કડિયા, સુથાર, લુહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, દાક્તરો, વકીલો, કારકુનો વગેરેનો શ્રમ માનસિક હોય છે.

આજકાલ લોકોને વગર મહેનતે મેળવવાનું ઘેલું લાગ્યું છે. પ્રભાતે કરદર્શન’ એટલે ઈશ્વરને એવી પ્રાર્થના કરવી કે હું હાથ વડે મહેનત કરી મેળવું.” પરંતુ આજે હાથનો ઉપયોગ બીજાનું ઝૂંટવી લેવામાં થાય છે. લોકો શ્રીમંત થવા ભ્રષ્ટ રીતરસમો અજમાવે છે, શ્રમથી દૂર ભાગે છે. કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ તે કરવા તૈયાર થાય છે. તેથી તેઓ જિંદગીનાં મહામૂલાં વર્ષો આળસમાં અને ભટકવામાં ગાળે છે.

શ્રમ વિના સિદ્ધિ નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં આપણને કર્મ કરવાનો બોધ આપ્યો છે. શ્રમ કર્યા વિનાની સિદ્ધિ આનંદ કે સંતોષ આપનારી હોતી નથી. વિદ્યાર્થી મહેનત કર્યા વિના પરીક્ષામાં પાસ થશે તો તેને ખરેખરો આનંદ મળશે નહિ, શ્રમ વડે મેળવેલી સિદ્ધિ જ ખરો આનંદ આપનારી હોય છે. તે જ લાંબો સમય ટકે છે. વિદ્યાર્થીજીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો કોઈ મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે જ પોતાના જીવનને ઉન્નત બનાવી શકે છે. શ્રમ કરનાર વ્યક્તિ જ સર્વની પ્રિય બની શકે છે. આથી દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો પોતાને અનુકૂળ હોય તેવાં સમાજસેવાનાં કામો કરી શકે છે.

ઘણી વાર વ્યક્તિ શ્રમ કરે તોપણ સિદ્ધિ મળતી નથી. તેનું કારણ તેની મહેનતમાં રહેલી કચાશ હોય છે. આવા પ્રસંગે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ. પરંતુ નિષ્ફળતા મળતાં નાસીપાસ થઈ શ્રેમ કરવાનું છોડી દઈએ તો પછી જિંદગીમાં ક્યારેય સફળતા મળતી નથી. આથી જ એક કવિએ કહ્યું છે કે –

“મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો કૈંક જિંદગીમાં.”

કમનસીબે આજની શિક્ષિત વ્યક્તિ શારીરિક શ્રમથી દૂર ભાગે છે. કેટલાક લોકો તો કડિયા, સુથાર, લુહાર, દરજી વગેરેના શ્રમને તુચ્છ ગણે છે. આપણે દરેક પ્રકારના શ્રમનું ગૌરવ કરવું જોઈએ.

પરિશ્રમ એ જ સાચો પારસમણિ છે. પરિશ્રમના સ્પર્શથી જ ભાગ્યરેખાઓ ખુલતી જશે અને તનમનની તંદુરસ્તી જળવાશે.

5. પૃથ્વીનો છેડો ઘર

મુદ્દો :

  • પ્રસ્તાવના
  • ઘરનું સુખ
  • ઘરવિહોણાંની સ્થિતિ
  • પૃથ્વીનો છેડો ઘર
  • ઉપસંહાર

“આપણને સુંદર ઘર બનાવતા આવડે છે, પરંતુ તેમાં રહેતા નથી આવડતું.”

સવારે નોકરીધંધે નીકળેલો માણસ સાંજે ઘેર આવે છે. ચણવા ગયેલાં પક્ષીઓ સાંજ પડ્યે માળામાં પાછાં આવી જાય છે. ખેતરમાં કામ કરતા બળદો પણ વાટ ભૂલ્યા વિના ઉતાવળે પોતાના રહેઠાણે પહોંચી જાય છે. આમ, ઘરનું આકર્ષણ મનુષ્ય અને પશુપંખીઓને સહજ હોય છે.

માણસ સારું કમાતો થાય ત્યારે સૌપ્રથમ સારી સગવડવાળું અને આકર્ષક ઘર બનાવવાનો વિચાર કરે છે. પંખીઓ સુંદર માળો બનાવે છે. સૌને ઘરનું આકર્ષણ કેમ રહે છે? સૌને ઘરમાં વિશ્રામ મળે છે. સૌ ઘરમાં રાહત અનુભવે છે, નિરાંત અનુભવે છે, મુક્તિનો આનંદ મેળવે છે. ઘરમાં તે કુટુંબીજનોને મળે છે, તેમની સાથે મોજમજા અને આનંદ કરે છે, મોડે સુધી જાગીને કે સવારે વહેલા ઊઠીને પોતાનું કામ કરી શકે છે. ઘરમાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી તેમજ જીવજંતુઓ અને પશુઓથી રક્ષણ મળે છે. આપણે સલામતી અને શાંતિ અનુભવીએ છીએ. આથી જ લોકો વધુમાં વધુ સગવડો મળી રહે તેવું ઘર બનાવવા ઝંખે છે.

ઘરવિહોણાની સ્થિતિ કફોડી હોય છે. તેઓને રાત ક્યાં પસાર કરવી તેની સતત ચિંતા રહે છે. અતિશય ઠંડી, ગરમી અને વરસાદમાં તેઓની પરિસ્થિતિ દયાજનક થાય છે. તેઓએ શહેરની ફૂટપાથ પર કે કોઈ વૃક્ષ નીચે પડી રહેવું પડે છે. તેઓ સુખશાંતિ અને સલામતી મેળવી શકતા નથી.

માણસ ધંધા અર્થે અથવા ફરવા કે યાત્રા કરવા માટે બહારગામ જાય છે. ત્યાં તેને બધી જ સગવડો મળે છે તો પણ તેને શાંતિનો અનુભવ થતો નથી. તે જ્યારે પોતાને ઘેર આવે છે ત્યારે પગ લંબાવી, આડા પડી તે “હાશ’ બોલે છે અને ખરેખરો શાંતિનો અનુભવ કરે છે. ઘરનું આવું આકર્ષણ હોય છે. ઘર ભલે જીવંત નથી, પરંતુ ઘર સાથે માણસની એવી લાગણી બંધાઈ જાય છે કે બહારનું સ્વર્ગીય સુખ પણ હું તેને ઘરના સુખ આગળ તુચ્છ લાગે છે. પછી ભલેને તે ઘર ઝૂંપડી હોય! તેથી જ પૃથ્વીનો છેડો ઘર કહેવાય છે.

પોતીકું ઘર હોય, પ્રેમાળ કુટુંબીજનો હોય, તેઓમાં પરસ્પર માટે લાગણી અને પ્રેમ હોય, સો એકબીજાને મળીને મલકાતા હોય, હરખાતા હોય તો એનાથી રૂડું સુખ કયું? આપણે સુંદર ઘરમાં સારી રીતે રહેતા શીખીએ અને તેને સ્વર્ગ બનાવીએ.

6. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. પરમાત્માની અનુભૂતિ
  3. 3-4 પ્રાણી3 સૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિમાં પરમાત્માનાં દર્શન
  4. ઉપસંહાર

મને કહોને ઈશ્વર કેવા હશે?
કેવા હશે? ક્યાં રહેતા હશે? …

પરમાત્મા આ અદ્ભુત સૃષ્ટિના સર્જનહાર છે. આપણા ઉપર તેના અનેક ઉપકારો છે. એટલે આપણા મનમાં ઈશ્વરદર્શનની ઇચ્છા રહે એ સ્વાભાવિક છે.

આપણને સતત પ્રશ્નો થયા કરે છે કે પરમાત્મા કેવા હશે? તે ક્યાં રહેતા હશે? પરંતુ ઈશ્વર, પરમાત્મા આપણને દેહરૂપે દર્શન દેતા નથી. હવાને આપણે જોઈ શકતા નથી પરંતુ તેનો અનુભવ કરી શકીએ છીએ. વાયરમાંથી પસાર થતો વીજળીનો પ્રવાહ જોઈ શકાતો નથી પરંતુ તેનો અનુભવ પ્રકાશ, ગરમી દ્વારા કરી શકીએ છીએ. બાળક જેમ માતાપિતાની પ્રતિકૃતિ છે તેમ પરમેશ્વરે સર્જેલી દુનિયા પરમાત્માની પ્રતિકૃતિ છે. તે દ્વારા જ તેનાં દર્શન થઈ શકે છે.

પરમાત્માએ પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિનું સર્જન કર્યું છે. બાળક એ પરમાત્માનું સ્વરૂપ છે. તેને જોતાં કોને આનંદ થતો નથી? એ જ રીતે પ્રાણીઓનાં બચ્ચાં પણ કેવાં રૂપાળાં લાગે છે! માતાના વાત્સલ્યમાં પરમાત્માના પ્રેમસ્વરૂપનાં દર્શન થાય છે. વાઘ-સિંહની ગર્જનામાં પરમાત્માના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થાય છે. કોયલના મધુર કંઠમાં આપણે પરમાત્માની મીઠી વાણી સાંભળી શકીએ છીએ.

નદીઓ, દરિયા, વૃક્ષો, પર્વતો, ઝરણાં, ફૂલછોડ, ધરતી વગેરે પ્રકૃતિનાં તત્ત્વો પરમાત્માનાં સ્વરૂપો છે. આ બધાં પ્રાકૃતિક તત્ત્વોના સાંનિધ્યમાં આપણને પરમ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. ફૂલોના રંગ, નદીઓ અને ઝરણાંનો નાદ, વૃક્ષોની શોભા વગેરેનું આપણને આકર્ષણ રહે છે. એટલે જ આપણે શહેરના ધમાલિયા વાતાવરણમાંથી પ્રકૃતિની ગોદમાં જવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યાં જતાં જ આપણે પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. આપણે સૂર્ય, ચંદ્ર, વૃક્ષો વગેરેને દેવસ્વરૂપે ગણીને તેમની પૂજા કરીએ છીએ.

આપણે પરમાત્માએ સર્જેલી પ્રકૃતિનાં દર્શન કરીએ. તેના સાંનિધ્યમાં શાંતિનો અનુભવ કરીએ અને તેના ગુણો આપણા જીવનવ્યવહારમાં ઊતારીએ, એ જ પરમાત્મદર્શન છે.

7. મારું પ્રિય પંખી – કાબર

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. કાબરનો દેખાવ અને ચાલ 3-4. કાબરનો ખોરાક અને બોલી
  3. કાબરનો માળો
  4. ઉપસંહાર

આવો આવો કાબરબેન,
બોલો મીઠાં કલબલ વેણ.

મારું પ્રિય પંખી કાબર છે. તમને આશ્ચર્ય થાય છે ને કે મોર, પોપટ, કોયલ, ચકલી, કાગડો, કબૂતર આ બધામાંથી એકે નહિ ને કાબર? કાબર કલબલ કરી માથું પકવી નાખે છે એવી છાપ છે; પરંતુ તે આપણા ઘરઆંગણાનું એક અનોખું પંખી છે.

કાબરનાં ડોક અને માથું તેલ નાખીને ઓળેલાં હોય તેવાં ચમકે છે. કાબરની છાતીનો ઉપરનો ભાગ કાળો છે, જ્યારે બાકીનો ભાગ જાંબલી રંગનો છે. કાબરનાં પેડુ અને પૂંછડીની નીચેનો ભાગ એકદમ ધોળો છે. તેની પૂંછડીને છેડે સફેદ કિનાર હોય છે. કાબર ઊડે છે ત્યારે એ કિનાર મજાના સફેદ પહોળા પટામાં પલટાઈ જાય છે. તે એની શોભામાં ઓર વધારો કરે છે. કાબરની ચાંચ આંખ સુધી પીળી ચામડીથી સંકળાયેલી છે. કાબરના પીળા પગ એની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. છાતી કાઢીને, ડોકું હલાવતી કાબર ચાલે છે ત્યારે જાણે મુંબઈનાં શેઠાણી ચોપાટી પર ફરવા નીકળ્યાં હોય એવી ઠાવકાઈ અને રુઆબ તેની ચાલમાં હોય છે.

કાબર મોટે ભાગે જોડીમાં જ રહે છે. તે જમીન પરથી અનાજ અને જીવાત વીણીને ખાય છે. પેટ ભરાઈ જાય એટલે ભોજન પછીનું ગીત ગવાય. કાબર મસ્ત પંખી છે. વિનોદી અવસ્થામાં એ જાતજાતનાં પંખીઓની બોલી બોલે છે. અવાજ સાંભળી આપણે એ પંખીને જોવા જઈએ કે જેનો અવાજ આપણે સાંભળ્યો હોય, પરંતુ આપણને કાબર જોવા મળે. નિરાંતે બેસીને એ છેતરામણા સૂર કાઢતી હોય છે.

ઘણી વાર કાબરો ટોળે મળી કાગારોળ કરતી હોય છે. આવું બને ત્યારે માનવું કે નજીકમાં ક્યાંક સાપ, નોળિયો, બિલાડી કે બાજ જેવા ઈંડાં અને પક્ષીને ખાઈ જનાર કોઈ શત્રુ હશે.

કાબર રાતવાસો ઝાડ પર કરતી હોય છે. તે ઝાડની બખોલમાં કે ઘરની દીવાલના બાકોરામાં ઘાસ, ચીંથરાં, ડાળખાં, કાગળ વગેરે ભેગું કરી માળો બાંધે છે.

રૂપેરંગે રૂપાળી, જાતજાતના સૂર કાઢતી કાબર કજિયાળી છે એટલે લોકો એના તરફ વધુ ધ્યાન આપતા નથી. પરંતુ એ મસ્ત પંખી છે. તેને જોવું, સાંભળવું બધાને ગમશે.

8. એક નદીની આત્મકથા

મુદ્દા :

  • પ્રસ્તાવના
  • જન્મ – બાલ્યાવસ્થા
  • મેદાન અવસ્થા
  • ઉપયોગિતા
  • સંહારક અસર
  • ઉપસંહાર

અરે બાળકો, તમને જોઈને હું ઘણી જ ખુશ થઈ છું. તમે મારી ચડતી-પડતીથી ભરેલી જીવનકથા સાંભળશો તો તમને મજા આવશે અને મને આનંદ થશે, તો સાંભળો.

મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર પર થયો હતો. ત્યાં હું ? એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી. મારા પિતા પર્વતની ગોદમાં નાચતી-કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનમાં વહેવા લાગી.

મેદાનમાં આવતાં મને મારી અનેક બહેનો મળી. આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું. હું નદી સ્વરૂપે વહેવા લાગી. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી. આથી હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ભળી ગઈ. આમ, મારું સ્વપ્ન સાકાર થઈ ગયું.

મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણનાં અનેક કામો 3 કરું છું. મારા બંને કાંઠે અનેક ગામો અને શહેરો વસે છે. પ્રાચીન 3 સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો. હું લોકોની ઘણી જરૂરિયાતો પૂરી પાડું છું. હું લોકોને પીવાનું પાણી પૂરું પાડું છું. લોકો મારા ૨ પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં, ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે. હું લોકોનું એક માની જેમ લાલનપાલન કરું છું. એટલે લોકોએ મારું નામ ‘લોકમાતા’ પાડ્યું છે. હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપ ઘસડી લાવું છું અને તેને આજુબાજુનાં મેદાનોમાં પાથરું છું. આથી ત્યાંની જમીન વધારે ફળદ્રુપ બને છે. એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે. આમ, હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાંય મારો મોટો ફાળો છે.

સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે. આથી મારો પ્રવાહ ધોધરૂપે પડે છે. તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી વડે ઘણાં ગામડાં અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઊઠે છે. બંધને લીધે એક સુંદર સરોવર બન્યું છે. તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડ વધી છે અને ખેડૂતો ખેતરોમાંથી વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે.

મારા કાંઠે કેટલાક ઉદ્યોગધંધા પણ શરૂ થયા છે. મારા કિનારે અનેક તીર્થસ્થાનો આવેલાં છે. લોકો મારા પાણીને પવિત્ર માનીને તેમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે. મારા પ્રવાહનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે.

મારી આટલી બધી ઉપયોગિતા છતાં કેટલાક લોકોને મારી જરાય કદર નથી. તેઓ મારા કિનારે ગંદકી કરે છે, મારા પાણીમાં કચરો ઠાલવે છે. આથી હું ઘણી પરેશાન થાઉં છું. ક્યારેક હું રોષે ભરાઈને ચોમાસામાં મારું રૌદ્ર સ્વરૂપ ધારણ કરું છું. મારા પ્રવાહમાં પૂર આવે છે. હું આજુબાજુનાં ગામડાંને તારાજ કરું છું. તેમનાં ઢોરઢાંખર અને ઘરવખરી તાણી જાઉં છું. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ કરું છું. પછી મને ઘણું દુઃખ પણ થાય છે. તેનો બદલો હું મબલક પાક પકવી વાળું છું. તમે મારી જીવનકથા સાંભળી તેનો મને આનંદ છે. તમે હવે મારા પ્રવાહમાં નૌકાવિહાર કરો અને આનંદ માણો. તમે મારા કિનારાને અને પાણીને સ્વચ્છ રાખો એવી હું આશા રાખું છું.

9. શિયાળાની સવાર

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. ગામડાનું વાતાવરણ
  3. શહેરનું વાતાવરણ
  4. લાભ
  5. ગેરલાભ
  6. ઉપસંહાર

દરેક ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર હોય છે.

શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યોદય મોડો થાય છે. પરંતુ ઘણા લોકો સવારે વહેલા ઊઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. ઠંડીના કારણે ઝાડપાન અને પશુ-પક્ષી ઠુંઠવાઈ જાય છે. ગામડામાં સવારે ઘંટીઓના મધુર અવાજ અને વલોણાના નાદ સંભળાય છે. ખેડૂતો બળદો લઈ ખેતરે ખેતીકામ કરવા જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો રણકાર વાતાવરણને જીવંત બનાવે છે. કુંભાર માટલાં ઘડે છે તેનો ‘ટપ’…‘ટપ’… અવાજ મધુર લાગે છે. વળી પ્રભાતિયાંના સૂર પણ સંભળાય છે. ધીમે ધીમે સૂરજદાદાનાં કોમળ કિરણોનો સ્પર્શ થતાં સજીવસૃષ્ટિમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યનાં કિરણો ઝાકળબિંદુઓ પર પડતાં તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે.

શિયાળાની સવાર શહેરીજનોને તનમનની તાજગી આપે છે. પ્રદૂષિત હવાથી બેચેન શહેરીજનો સવારની સ્વચ્છ, તાજી હવાનો ભરપૂર લાભ ઉઠાવે છે. કેટલાક લોકો “મૉર્નિંગ વૉક કરવા માટે નીકળી પડે છે. હું કેટલાક લોકો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓની દોડધામ તો ખરી જ. આમ છતાં, કેટલાક મનમોજી લોકો મોડે સુધી હુંફાળી પથારી છોડતા નથી અને સવારની તાજગીનો લહાવો લઈ શકતા નથી.

શિયાળાની સવાર આપણને અનેક રીતે લાભદાયી છે. શિયાળામાં સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ, સ્કૂર્તિદાયક સ્વચ્છ હવા અને વસાણું આપણને બારે મહિના સ્વસ્થ અને તાજામાજા રાખે છે.

શિયાળાની સવાર દમ અને શ્વાસના દરદીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા-પાથરવાની પૂરતી સગવડ નથી હોતી, તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ આવા લોકોને ધાબળાનું દાન કરે છે.

શિયાળાની સવાર આપણા સૌ માટે આશીર્વાદ સમાન છે. તેનો કેટલો લાભ ઉઠાવવો એ આપણા હાથની વાત છે.

10. ઉનાળાનો બપોર

મુદ્દા :

  • પ્રસ્તાવના
  • ઉનાળાના બપોરનું વાતાવરણ
  • બપોરના વાતાવરણની જનજીવન પર અસર અને ઉપાય
  • ઉપસંહાર

સમગ્ર વર્ષ દરમિયાન આપણને પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપો જોવા મળે છે. આપણને તેના જુદા જુદા અનુભવો થાય છે. શિયાળાની સવારે તનમનને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને વ્યાકુળ કરી નાખે છે.

ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. સવારે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે. બપોરે સૂર્ય માથા ઉપર આવતાં તે જાણે અગનગોળા વરસાવતો હોય તેવી પ્રચંડ ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલી શકાતું નથી. ધરતીમાંથી ઊની ઊની વરાળ નીકળે છે. ઊની ઊની લૂ વાય છે. આ લુ ચામડીને દઝાડે છે. ક્યારેક ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. જળાશયોમાં પાણી સુકાઈ જાય છે. ધરતી રણ જેવી વેરાન લાગે છે. ક્યાંય હરિયાળી વનસ્પતિ જોવા મળતી નથી. એક કવિએ તેનું વર્ણન કરતાં ગાયું છે કે – સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીનાં જામ્યાં જોર.

બળબળતા જામ્યા બપોર. બપોરના આકરા તાપમાં કામ કરતાં થાકી જવાય છે અને પરસેવે ઝેબઝેબ થઈ જવાય છે. તેથી ખેડૂતો અને કારીગરો બપોરે હું તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ 3 જાય છે. લોકો ઘરમાં પંખા કે ઍરકન્ડિશનર ચાલુ કરીને ઠંડક મેળવે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે કે આઇસક્રીમ ખાય છે. ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં બેસીને ઇન્ડોર ગેમ્સ રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવાં ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડાં પાણી કે ઠંડી છાશની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે.

આપણને અકળાવનારી ગરમીથી સૂર્યનારાયણને ફરિયાદ કરવાનું નું મન થાય છે: “ખમૈયા કરો’.

11. વર્ષાઋતુ / ઋતુઓની રાણી વર્ષા વર્ષોનો વૈભવ

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. વરસાદનું દશ્ય
  3. વર્ષોના આગમન પછીનું વાતાવરણ
  4. વર્ષાઋતુમાં આવતા તહેવારો
  5. અતિવૃષ્ટિ
  6. બીમારી
  7. ઉપસંહાર

ઋતુઓનું ચક્ર ફર્યા જ કરે છે. આપણે વર્ષા અને શરદ, હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ એમ વિવિધ ઋતુઓનો અનુભવ કરીએ છીએ. ગ્રીષ્મઋતુની વિદાય પછી વર્ષાઋતુનું આગમન થાય છે.

આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદ વરસતાં બધે આનંદ આનંદ થઈ જાય છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે. મોર કળા કરી નાચે છે. મોરના ટહુકા અને દેડકાંનો ‘ડ્રાઉ’… ‘ડ્રાઉ’… અવાજ સંભળાય છે. ભીની માટીની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે. કેટલાકને વરસાદમાં નાહવાની ખૂબ મઝા આવે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવે છે.

ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે. તેઓ ખેતરોમાં બી વાવે રે છે કે ધરુ રોપે છે. થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી 3 નીકળે છે. ધરતીમાતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે. કોઈ કોઈ વાર આકાશમાં મેઘધનુષ શોભામાં વૃદ્ધિ કરે છે.

વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય રે તહેવારો છે. પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો દેશમાં આનંદ અને ઉલ્લાસથી ઊજવાય છે.

વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે. નદીઓમાં ભયંકર પૂર આવે છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. જાનમાલનું ભારે નુકસાન થાય છે. વર્ષાઋતુમાં કોઈ વાર વરસાદ પડતો નથી કે બહુ ઓછો વરસાદ પડે છે. ખેતરોમાં અનાજ પાકતું નથી. પાણીની ભયંકર તંગી પડે છે. તેને દુષ્કાળ’ કહે છે.

વર્ષાઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે. માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. તેથી લોકોની માંદગીનું 3 પ્રમાણ પણ વધી જાય છે.

વર્ષાઋતુમાં અનાજ પાકે છે. ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે. આથી, વર્ષાઋતુના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. આથી જ વર્ષાઋતુને ‘ઋતુઓની રાણી’ કહે છે.

12. મારો પ્રિય તહેવાર

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. નવરાત્રિ તહેવારનું મહત્ત્વ 3–4. નવરાત્રિની ઉજવણી અને પ્રિય તહેવાર હોવાનું કારણ
  3. ઉપસંહાર

આપણે વર્ષ દરમિયાન અનેક તહેવારો ઊજવીએ છીએ. તહેવારો આપણા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવના વધારે છે. બધા તહેવારોમાં મારો પ્રિય તહેવાર નવરાત્રિ છે.

નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. તે એક મોટો ધાર્મિક તહેવાર છે. અંબાજી માતાએ લોકોને ત્રાસ આપતા મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે તેનો વધ થયો હતો. તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઊજવે છે.

નવરાત્રિનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઊજવે છે. શેરીએ શેરીએ માતાજીના મંડપો બંધાય છે. તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે. તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને છેલ્લે પ્રસાદ વહેંચાય છે. કેટલાક લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે. માતાજીની પૂજા કરે છે અને માતાજીના જપ કરે છે. આઠમે માતાજીના હવન થાય છે.

નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે. મને ગરબે ઘૂમવાનો ઘણો શોખ છે. અમારી સોસાયટીમાં દરરોજ રાતે જાણીતા ગાયકોને તેમની મંડળી સાથે બોલાવવામાં આવે છે. યુવાનો અને યુવતીઓ આકર્ષક વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગરબા ગાય છે. દાંડિયા-રાસની રમઝટ જામે છે. હું પણ ચણિયાચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘૂમવા જાઉં છું. અમારી શાળામાં છેલ્લા ત્રણ દિવસ તો રજાઓ હોય છે. દરરોજ જુદી જુદી વસ્તુઓની લહાણી થાય છે અને રાત્રે નાસ્તો તો ખરો જ. મને આ તહેવારમાં નવ-નવ રાત્રિ સુધી મજા માણવા મળે છે. આથી નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. આવો નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું!

13. આદર્શ વિદ્યાર્થી

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. આદર્શ વિદ્યાર્થીનો મુખ્ય ઉદ્દેશ 3-4. આદર્શ વિદ્યાર્થીનાં અન્ય લક્ષણો
  3. આદર્શ વિદ્યાર્થીમાં શું ન હોય?
  4. ઉપસંહાર

વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી. તેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય. પરંતુ આદર્શ વિદ્યાર્થી તેને કહી શકાય જે અભ્યાસ ઉપરાંત ઇિતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હોય અને જેનાં વાણી અને વર્તન વખાણવાલાયક હોય.

આદર્શ વિદ્યાર્થી નિયમિત અને સમયસર શાળાએ જાય છે. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એકચિત્તે ભણતો હોય છે. કોઈ મુદ્દો ન સમજાય તો તે વિનયપૂર્વક શિક્ષકને પૂછે છે. શાળામાંથી આપવામાં આવતું ગૃહકાર્ય તે નિયમિત અને ચોકસાઈપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા અર્જુન જેવી અને જિજ્ઞાસા એકલવ્ય જેવી હોય છે.

આદર્શ વિદ્યાર્થી માત્ર પાઠ્યપુસ્તકોના વાચનથી સંતોષ નથી માનતો. તે જુદા જુદા વિષયનાં અન્ય પુસ્તકો પણ વાંચે છે. આદર્શ = વિદ્યાર્થી ચિત્રકામ, સંગીત, નાટક વગેરેમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. તે રમતગમતનું મહત્ત્વ સમજે છે અને તેમાં ખેલદિલીપૂર્વક ભાગ 3 લે છે. આદર્શ વિદ્યાથીનો જીવનમંત્ર હોય છે કામને વખતે કામ અને 3 રમતને વખતે રમત. (Work while you work and play while you play.)

આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ હોય છે. તેનાં વાણી અને વર્તનમાં વિવેક હોય છે. તેને પોતાની વિદ્યાનું કે અન્ય કોઈ બાબતનું અભિમાન હોતું નથી. આદર્શ વિદ્યાર્થીમાં દયા, પ્રેમ, સહનશીલતા જેવા સદ્ગુણો હોય છે. તે નીડર હોય છે. બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તે હંમેશાં તત્પર હોય છે. તે વડીલોનાં નાનાં-મોટાં કામો કરવામાં ઉત્સાહ બતાવે છે. તેનામાં અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ કૂણી લાગણી હોય છે.

સાદું જીવન અને ઉચ્ચ વિચાર (Simple living and high 5 thinking) એ આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ હોય છે. નઠારી સોબત, વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તો એ સદા દૂર જ રહે છે.

આદર્શ વિદ્યાર્થીની પ્રતિભાથી કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થયા વિના રહેતી નથી!

14. 15મી ઑગસ્ટ

મુદ્દો :

  1. પ્રસ્તાવના
  2. આઝાદીનો ઈતિહાસ ૩-4. સ્વાતંત્ર્યદિનની ઉજવણી
  3. ઉપસંહાર

આપણે વર્ષ દરમિયાન કેટલાક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય ને તહેવારો ઊજવીએ છીએ. 15મી ઑગસ્ટ આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે.

આપણો દેશ 15મી ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયો. તે પહેલાં આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા હતા. અંગ્રેજોના જોરજુલમથી ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી. આપણા દેશને આઝાદ કરવા ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. દેશની પ્રજા તેમાં જોડાઈ. જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય વગેરે દેશનેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું. ભગતસિંહ, ખુદીરામ બોઝ, પ્રફુલ ચાકી, ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનો આઝાદી માટે શહીદ થયા. છેવટે 15મી ઑગસ્ટ, 1947ના દિવસે આપણો ભારતદેશ આઝાદ થયો. ભારતના ઇતિહાસનો એ એક સુવર્ણદિન બની રહ્યો. આ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો. લાલ કિલ્લા પર આપણો ત્રિરંગો લહેરાતો થયો. ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15મી ઑગસ્ટનો દિવસ સ્વાતંત્ર્યદિન’ તરીકે આનંદ અને ઉલ્લાસથી ઊજવાય છે.

આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચાય છે. કેટલાંક ગામોમાં અને શહેરોમાં પ્રભાતફેરીઓ નીકળે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવનું આયોજન થાય છે. સાંજે સરકારી મકાનો અને કેટલીક દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.

આ દિવસે દિલ્લીમાં આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. શહીદોને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. આ દિવસે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે. ટીવી પર દેશપ્રેમને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે.

આપણે આઝાદ થયા છીએ પરંતુ જ્યાં સુધી દેશના લોકોને આર્થિક આઝાદી-આબાદી નહિ મળે ત્યાં સુધી આપણે આઝાદીનો સાચો આનંદ માણી શકીશું નહિ. આપણે મહામૂલી આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ.

15. દિવાળી

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. દિવાળીની પૂર્વતૈયારી 3-4. દિવાળીના મુખ્ય પાંચ દિવસોનું મહત્ત્વ અને ઉજવણી
  3. ઉપસંહાર

દિવાળી આવી, દિવાળી આવી,
નવા વરસની વધાઈ લાવી.

આપણે વર્ષ દરમિયાન અનેક તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. તે તહેવારોનો રાજા’ ગણાય છે.

આસો મહિનો એટલે તહેવારોનો મહિનો. નવરાત્રિ, દશેરા, શરદપૂનમ પછી દિવાળીનો તહેવાર આવે છે. આસો માસની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો ઘરોની સફાઈ કરે છે, ઘરોને રંગરોગાન કરાવે છે. લોકો નવાં કપડાં, ફટાકડા અને બીજી સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારોમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.

દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. લોકો અગિયારસના દિવસથી જ આંગણામાં ઘી-તેલના દીવા પ્રગટાવવા શરૂ કરી દે છે. ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે. કાળી ચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. લોકો તેની ખુશાલી મનાવે છે. કાળી ચૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. તે વર્ષનો છેલ્લો દિવસ છે. કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. આ દિવસે લોકો સવારે વહેલા ઊઠી તૈયાર થઈ દેવદર્શને જાય છે. મિત્રો અને સગાંવહાલાંને મળીને ‘સાલ મુબારક’ કહે છે. લોકો દિવાળીકાર્ડ મોકલે છે. હવે તો ‘વૉટસઍપ’ પર શુભેચ્છા સંદેશની આપ-લે થાય છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન બનાવી જમાડે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.

દિવાળીના દિવસોમાં સઘળે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે. લોકો નવી નવી વાનગીઓ આરોગે છે, નવાં નવાં કપડાં ડું પહેરે છે અને ફટાકડા ફોડે છે. લોકો પોતાનાં ઘરો અને દુકાનો પર રોશની કરે છે.

દિવાળી માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો { તહેવાર છે. આપણે સૌને પ્રેમથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઘરની સફાઈની જેમ મનની સફાઈ પણ કરીએ છીએ. દિવાળી અંતરનો અંધકાર ભગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે.

16. આપણી કુટેવો

મુદ્દા :

  1. પ્રસ્તાવના
  2. થી
  3. કેટલીક કુટેવો અને તેની અસરો
  4. આપણી ફરજો
  5. ઉપસંહાર

મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજની સુખાકારી માટે, વ્યવસ્થા માટે અને શોભા માટે આપણું વર્તન આદર્શ હોવું જોઈએ. જે ટેવથી આપણું કે સમાજનું અહિત થાય તેને “કુટેવ’ કહે છે.

મોડા ઊઠવું, દાંત બરાબર સાફ ન કરવા, દાંતથી નખ કાપવા, મોં આગળ રૂમાલ રાખ્યા વગર છીંક કે ઉધરસ ખાવી, પાન ખાઈ ગમે ત્યાં પિચકારી મારવી, ગમે ત્યાં થુંકવું, ચોપડીઓ ગમે ત્યાં મૂકવી, ચોપડીઓમાં ગમે ત્યાં લીટા કરવા, ચોપડીઓમાંનાં ચિત્રો બગાડવાં, તેમાં ગમે તેમ લખવું વગેરે કુટેવો છે. એ જ રીતે બજારની ઉઘાડી વાનગી ખાવી, કોઈની વસ્તુ તેને પૂછ્યા વિના લેવી, કોઈના ઘરમાં પૂછ્યા વિના પ્રવેશવું, મોટેથી વાંચવું, મોટા વાતો કરતા હોય ત્યારે વચ્ચે બોલવું વગેરે પણ કુટેવો છે.

આવા પ્રકારની કુટેવોથી આપણું આરોગ્ય અને જીવનવ્યવહાર બગડે છે.

ઘરનો કચરો ગમે ત્યાં નાખવો, કેળું ખાઈને તેની છાલ રસ્તા પર નાખવી, બાળકોને ખુલ્લામાં જાજરૂપેશાબ કરાવવાં, દાતણની ચીરીઓ ગમે ત્યાં નાખવી, દીવાલો પર કોલસા કે ચૉકથી ચિતરામણ કરી તેમને બગાડવી વગેરે કુટેવો છે. એવી જ રીતે ટીવી અને રેડિયોનો અવાજ મોટો રાખવો, સભામાં મોટેથી વાતો કરવી, બસમાં કે રેલવેના ડબામાં ચડતાં-ઊતરતાં ધક્કામુક્કી કરવી, પાણીના નળ ખુલ્લા રાખવા, કોઈનો અંગત પત્ર વાંચવો, કાગળના ટુકડા ગમે ત્યાં ફેંકવા, રસ્તા વચ્ચે ચાલવું, વાહનો ગમે ત્યાં પાર્ક કરવાં, વાહનો ઝડપથી ચલાવવાં, બિનજરૂરી વાહનોના હૉર્ન વગાડવા વગેરે સામાજિક કુટેવો છે.

આવી કુટેવોથી આપણને અને સમાજને ઘણું નુકસાન થાય છે. કુટેવો પાડવા માટે કશો પ્રયત્ન કરવો પડતો નથી. સારી ટેવો પાડવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે, સજાગ થવું પડે. એક વાર પડેલી ટેવ જલદી જતી નથી. એટલે આપણે બાળપણથી જ સારી ટેવો પાડવી જોઈએ. આપણાં માતાપિતા, શિક્ષકો અને વડીલો આપણને જે કહે તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ.

સારી ટેવોથી આપણી અને સમાજની તંદુરસ્તી વધે છે તેમજ સમાજમાં વ્યવસ્થા અને શોભા જળવાય છે. વ્યક્તિની સારી ટેવોથી આદર્શ સમાજનું નિર્માણ થાય છે.

17. ગાંધીજી અથવા મારા પ્રિય નેતા

મુદ્દો :

  1. પ્રસ્તાવના 2-3. ગાંધીજીનું બાળપણ, અભ્યાસ અને કાર્ય
  2. ગાંધીજીનું અંગત જીવન
  3. ઉપસંહાર

“મરતાં પણ સત્ય ન છોડવું.”
– ગાંધીજી

વિશ્વવિભૂતિ ગાંધીજીનો જન્મ બીજી ઑક્ટોબર, 1869માં સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. બાળપણમાં એ એક સામાન્ય બાળક હતા. તેમણે પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તેમણે હરિશ્ચંદ્ર “નાટક જોયું. તે જોઈ તેમણે હંમેશાં સત્ય બોલવાનો સંકલ્પ કર્યો. તેમણે શ્રવણની વાર્તા સાંભળી. તેમાંથી તેમણે માતા-પિતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો.

ગાંધીજી વિલાયત જઈને વકીલાતનું ભણ્યા. તેઓ વકીલાત કરવા હું માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમણે અંગ્રેજોની રંગભેદની નીતિ જોઈ. તેમણે આ નીતિને લીધે થતા અન્યાયો દૂર કરાવવા સત્યાગ્રહના માર્ગે લડત ચલાવી. તેમાં તેઓ સફળ થયા. ઈ. સ. 1915માં તેઓ ભારત આવ્યા. ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે અંગ્રેજો સામે આઝાદી માટે લડત ચલાવી. અનેક વાર જેલવાસ ભોગવ્યો. છેવટે 15મી ઑગસ્ટ, 1947ના દિવસે દેશ આઝાદ થયો. ગાંધીજી રાષ્ટ્રપિતા’ તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા.

ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા. સવાર-સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા. તે દરરોજ રેંટિયો ચલાવતા. “વૈષ્ણવજન તો તેને રે કહીએ…તેમનું પ્રિય ભજન હતું. તેમણે એમની આત્મકથા “સત્યના પ્રયોગો’ લખી છે.

એમનું અવસાન ગોળી વાગવાથી થયું. તેમની સમાધિ રાજઘાટ દિલ્લીમાં છે. આપણે તેમના જીવનમાંથી સત્ય, અહિંસા, સાદાઈ અને સેવાના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.

18. એક શિક્ષિત બેકારની આત્મકથા

મુદ્દા :

  • પ્રસ્તાવના
  • શિક્ષણ
  • નોકરી મેળવવા માટેની ૬ દોડધામ -નિરાશા
  • ઉપસંહાર

આપણાં માતા-પિતા પેટે પાટા બાંધીને આપણને ભણાવે છે. તેમને એવી આશા હોય છે કે તેમનું સંતાન ભણીગણીને સારી નોકરી મેળવે, સારી કમાણી કરે અને ઘરમાં સુખનો સૂરજ ઊગે. પરંતુ કેટલીક વાર માતા-પિતાની આ આશા ઠગારી નીવડે છે.

મધ્યમ વર્ગના એક ખેડૂત કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારાં માતા-પિતાએ મને હોંશેહોંશે નિશાળે ભણવા મૂક્યો. હું ભણવામાં હોશિયાર હતો. તેથી મારા પિતાજીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં મારા ભણતરનો ખર્ચ વેઠતા રહ્યા. મેં એસ.એસ.સી અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ કરી. મારા ગામમાં કૉલેજ ૨ ન હોવાથી મારા માતા-પિતાએ દેવું કરીને મને શહેરની કૉલેજમાં ભણવા મોકલ્યો. ત્યાં મેં B.Sc. અને પછી M.Sc.ની ડિગ્રી મેળવી. ત્યારપછી મેં B.Ed.ની ડિગ્રી પણ મેળવી લીધી. મારા ભણતર પાછળ મારા પિતાજીએ બે લાખ રૂપિયાનું દેવું કર્યું હતું.

મારું ભણતર પૂરું થયાંને બે વર્ષ થઈ ગયાં છે. હજું હું નોકરી મેળવવા માટે ફાંફાં મારી રહ્યો છું. હું છાપામાં આવતી જાહેરાતો નિયમિત વાંચું છું. મારા લાયક જાહેરાત વાંચીને હું અરજી પણ કરું છું. ક્યારેક મને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે, પણ મારી પસંદગી કરવામાં આવતી નથી, કારણ કે મારી પાસે લાયકાત છે પણ લાગવગ નથી. હું નોકરી મેળવવા માટે દોઢ-બે લાખ રૂપિયાનું ડોનેશન પણ આપી શકું તેમ નથી. આથી મારા કરતાં ઓછી ગુણવત્તા ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ જાય છે પણ મારી પસંદગી થતી નથી! શિક્ષણ હવે માત્ર વેપાર જ છે.

હવે મને સારું શિક્ષણ મેળવવા બદલ અફસોસ થઈ રહ્યો છે. સારું ન ભણી શકેલા એવા મારા મિત્રો તેમના બાપ-દાદાના ધંધામાં – સારી રીતે ગોઠવાઈ ગયા છે. એસ.એસ.સી.માં નાપાસ થયેલો મૂળજી, આઠ ચોપડી ભણેલો કાનજી, નિશાળમાંથી ભાગી જનારો કાળુ, જેવા મારા સહાધ્યાયીઓ એમના બાપ-દાદાના ધંધામાં લાગી ગયા છે. મારી સ્થિતિ ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે. હું મજૂરીનું કામ કરી શકતો નથી અને મને ક્યાંય નોકરી મળી શકતી નથી.

મારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ છે. મારા માતા-પિતાએ આ વર્ષે મારાં લગ્ન પણ કરાવી નાખ્યાં છે. મારી મૂંઝવણનો પાર નથી. ક્યારેક તો મને આપઘાત કરવાનો વિચાર પણ આવી જાય છે. પરંતુ માતા-પિતા પ્રત્યેની લાગણીને લીધે હું એવું કરી શકતો નથી.

ક્યારેક તો મારા દુઃખભર્યા દિવસોનો અંત આવશે અને મારી ઉજ્વળ કારકિર્દીની શરૂઆત થશે, તેવી આશામાં હું મારા દિવસો વિતાવી રહ્યો છું.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *